મોરબીના લખધીરપુર રોડ પર આવેલા કઝારીયા ઈન્ફીનીટી કારખાનામાં વેલ્ડિંગ કામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. આશરે 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતાં શ્રમિકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબીમાં રહેતા હિમાંચલભાઈ કૃષ્ણ ભગવાન મિશ્રા ગત તા. 08/10/2026ના રોજ રાત્રિના સમયે કારખાનામાં વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ આશરે 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા હતા. અકસ્માતમાં તેમની છાતી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
બનાવ બાદ ઈજાગ્રસ્ત હિમાંચલભાઈને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. ત્યારબાદ તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

