મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલા એટોમ સીરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી પરિણીત મહિલા પર તેના પતિએ સામાન્ય ઘરકામની બાબતે બોલાચાલી બાદ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, મોરબીના રવાપર ઘુનડા રોડ પર રવાપર ગામના મોહનભાઈ કોઠિયાના ખેતરે રહેતા અને મજૂરીકામ કરતા વિષ્નુભાઈ રણમલભાઈ રાઠોડ (ઉંમર 23)એ આરોપી કમલેશભાઈ પીરૂલાલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના મોટાબાપુની દીકરી જરીનાબેન સાથે તેમના પતિ કમલેશભાઈએ ઘરકામ જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી હતી. આ દરમિયાન આરોપીએ જરીનાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને લાકડાના ધોકા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો.
હુમલામાં જરીનાબેનના કપાળના આગળના ભાગે ગંભીર ઈજા થતાં આઠ ટાંકા આવ્યા હતા, જ્યારે માથાના પાછળના ભાગે ચાર ટાંકા આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઉપરાંત, પીઠ તથા ડાબા હાથના ભાગે પણ મૂંઢ ઈજા થઈ હોવાનું જણાવાયું છે.
આ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

