મોરબી જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) મોરબીની ટીમે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે પર રવીરાજ ચોકડી નજીક માળીયા તરફ જતા પુલના છેડે આવેલી ‘મેલડીની મહેર’ નામની કેબિનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, કેબિનમાંથી ગાંજાનું વેચાણ કરતા બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પ્રિન્સ પ્રવિણભાઈ ધંધુકીયા, રહે. રણછોડનગર, મોરબી અને વિપુલભાઈ રમેશભાઈ કુંજરીયા, રહે. વાવડી રોડ, મોરબીની ધરપકડ કરી છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન બંને પાસેથી 958 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 47,900, તેમજ ગાંજાના વેચાણમાંથી રૂ. 23,500 રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત રૂ. 20,000ની કિંમતના બે મોબાઇલ ફોન પણ મળી આવ્યા.
આમ, પોલીસે કુલ રૂ. 91,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે SOG ટીમે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે બંને આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.

