મોરબી શહેરના ધરતી ટાવર ખાતે આવેલી ‘પટેલ બાબુલાલ કાંતિલાલ એન્ડ કું.’ આંગડીયા પેઢીના મેનેજર સામે રૂ. 1 કરોડ 8 લાખની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કરતો ફરિયાદ દાખલ થયો છે. ફરિયાદ મુજબ, આરોપી છેલ્લા 15 વર્ષથી પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને તેમને પેઢીના વહીવટ તેમજ નાણાકીય આવક-જાવકનો હિસાબ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ અંગે અમદાવાદના બોપલ ખાતે રહેતા અને આંગડીયા પેઢીના ભાગીદાર પ્રદીપભાઈ અરવિંદભાઈ પટેલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મહેસાણા ખાતે રહેતા રોહીતભાઈ સુરેશભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબ, રોહીતભાઈ પટેલ મોરબી શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને પેઢીની આવક-જાવક તથા નાણાકીય વ્યવહારોનો હિસાબ રાખતા હતા. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તેઓને પેઢી તરફથી માસિક રૂ. 10,000 પગાર ચૂકવવામાં આવતો હતો.
ફરિયાદીનો આક્ષેપ છે કે, આરોપી રોહીતભાઈએ પેઢીની રૂ. 1.08 કરોડની રકમનો હિસાબ આપ્યો ન હતો અને એક દિવસ સાંજના સમયે કોઈને જાણ કર્યા વિના ઓફિસમાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ સહકર્મચારીઓએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેમનો મોબાઇલ ફોન બંધ આવતો હતો.
ફરિયાદ મુજબ, આશરે દોઢ મહિના બાદ આરોપીનો સંપર્ક થતાં પેઢીની રકમ અંગે હિસાબ આપવા માટે તેઓ દ્વારા સમય પસાર કરવામાં આવતો હતો. જોકે, ત્યારબાદ પણ હિસાબ રજૂ કરવામાં આવ્યો ન હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનામાં આરોપીએ પેઢીની રૂ. 1 કરોડ 8 લાખની રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાનો ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

