મોરબીના ઘુટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જૂની બોલાચાલીનું મનદુઃખ રાખી બંને પાડોશી પરિવાર વચ્ચે ઝઘડો થતાં બંને પક્ષે મોરબી તાલુકા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ મુજબ, લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉં.વ.34)ના ઘર નજીક ભક્તિબેનના પુત્ર દ્વારા ફટાકડા ફોડવામાં આવતા તેમણે ભક્તિબેનને આ અંગે જણાવ્યું હતું. આ બાબતનો રોષ રાખી ગીતાબેન અને હઠિસિંહ લાકડાના ધોકા લઈને લક્ષ્મીબેનના ઘરે પહોંચ્યા હતા અને દરવાજા પર ધોકાથી ઘા કરી ગાળો આપી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. તેમજ શિવરાજ, દિલુભા અને હઠિસિંહે ભક્તિબેન તથા ગીતાબેનને લક્ષ્મીબેન સાથે મારામારી કરવા ઉશ્કેર્યા હોવાનો તથા શિવરાજે હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.
બીજી તરફ ભક્તિબા હઠિસિંહ પઢીયારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીનું સમાધાન કરવા તેઓ ગીતાબેન સાથે લક્ષ્મીબેનના ઘરે ગયા હતા. આ દરમિયાન બોલાચાલી થતાં લક્ષ્મીબેને હાથમાં રહેલી લાકડી વડે ભક્તિબાના માથામાં તથા ગીતાબેનના ડાબા હાથમાં ઘા મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ મામલે બંને પક્ષે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી બંને ફરિયાદના આધારે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

