ગુજરાતમાં આખરે 47 વર્ષના લાંબા અંતરાલ બાદ આગામી 2026માં નવું સિમાંકન અસ્તિત્વમાં આવશે. હાલ રાજ્યની વિધાનસભાની કુલ બેઠકો 182છે તે વધીને 230 કરવામાં આવશે અને એ જ રીતે હાલ લોકસભાની 26 બેઠકો છે તે વધીને 44 સુધી કરવામાં આવશે. દર 10 લાખની વસતિએ એક સંસદસભ્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે. છેલ્લે 1975માં 182 બેઠકો નક્કી કરવામાં આવી હતી. રાજ્યમાં કૂદકે-ભૂસકે વસતિ વધી રહી છે અને જેના કારણે વિધાનસભા તેમજ લોકસભાની બેઠકો પણ વધારવામાં આવશે. 2022ની વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી જૂના સિમાંકન પ્રમાણે જ યોજવામાં આવશે. ગુજરાતની જ્યારે 1960માં સ્થાપના કરવામાં આવી ત્યારે વિધાનસભાની 132 બેઠકો હતી અને ત્યારબાદ 1962માં 154 બેઠકો નક્કી કરવામાં આવી હતી. બાદમાં 1967માં 168 બેઠકો નક્કી કરવામાં આવી હતી.
ગાંધીનગરમાં સેક્ટર-17માં પણ નવા ધારાસભ્યો માટે 216 લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવનાર છે અને તે નવા સિમાંકનને ધ્યાનમાં રાખીને બનાવાવમાં આવશે. રાજ્યમાં હાલ કુલ વસતિનો આંકડો છ કરોડને પાર કરી ચૂક્યો છે અને હવે આગામી 2026થી નવું સિમાંકન અસ્તિત્વમાં આવી જશે. જાે કે, આ બધાની વચ્ચે 2022ની વિધાનસભાની અને 2024ની લોકસભાની ચૂંટણી જૂના સિમાંકન પ્રમાણે જ યોજાશે. હાલ રાજ્યમાં 33 જિલ્લા અસ્તિત્વમાં છે અને ૨૪૯ તાલુકાનો સમાવેશ થાય છે. રાજ્યની વસતિ જે રીતે વધી રહી છે તે રીતે હવે દર 10 લાખની વસતિએ એક સંસદસભ્યની જરૂરીયાત ઊભી થશે અને તે અનુસંધાને 2026થી નવું સિમાંકન થશે. રાજ્યની હાલ વિધાનસભાની કુલ બેઠકો 182 છે અને તે વધીને 230 સુધી પહોંચી જશે. છેલ્લે 1975માં વિધાનસભાની 182બેઠકો નક્કી કરવામાં આવી હતી અને 47 વર્ષ બાદ નવું સિમાંકન કરાશે. 2013માં નવા 7 જિલ્લા અસ્તિત્વમાં આવ્યા પછી પણ હાલ ચૂંટણી જૂના સિમાંકન પ્રમાણે યોજાઈ રહી છે.
હાલમાં લોકસભાની જે 26 બેઠકો છે તે વધીને પણ 44 સુધી પહોંચી જશે. છેલ્લે 1980ની લોકસભાની ચૂંટણીમાં 24 બેઠકો હતી. વર્ષ-2018માં ગુજરાત વિધાનસભાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને 182ધારાસભ્યોને સ્થાને 230 ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી. કેન્દ્રમાં પણ હાલ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનું કામ ચાલુ છે જેમાં એક સાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સંસદસભ્ય બેસી શકે. 1960માં 17 જિલ્લાની સાથે ગુજરાતની સ્થાપના થઈ હતી. નવા જિલ્લાની સૌપ્રથમ શરૂઆત ગાંધીનગર સાથે થઈ હતી. ૧૯૬૪માં મહેસાણા અને અમદાવાદના કેટલાક ભાગોને જાેડીને ગાંધીનગર રાજ્યનો ૧૮મો જિલ્લો બન્યો હતો. બાદમાં 1966માં સુરતમાંથી વલસાડને જુદો પાડીને 19મો જિલ્લો બનાવાયો હતો. 1997માં રાજ્યના છ નવા જિલ્લા આણંદ, દાહોદ, પાટણ, નવસારી, પોરબંદર અને નર્મદાનો સમાવેશ કરતા જિલ્લાની સંખ્યા ૨૫ થઈ હતી. 2010માં ગુજરાતનો તાપી 26મો જિલ્લો બન્યો હતો. બાદમાં બીજા 7જિલ્લા ગીર સોમનાથ, છોટા ઉદેપુર, અરવલ્લી, બોટાદ, મોરબી, દ્વારકા અને મહીસાગર ૨૦૧૩માં અસ્તિત્વમાં આવ્યા હતા. તેની સાથે નવા ૨૨ તાલુકાનો પણ ઉદય થયો હતો.

