HomeGujaratઆણંદમાં બોગસ IAS અધિકારી ઝડપાયો: મામલતદાર બનાવવાના નામે રૂ. 7.70 લાખની ઠગાઈ

આણંદમાં બોગસ IAS અધિકારી ઝડપાયો: મામલતદાર બનાવવાના નામે રૂ. 7.70 લાખની ઠગાઈ

આણંદ શહેર નજીક આવેલા ગામડી ગામના સાલેમનગરમાં રહેતા અને નડિયાદમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા એક શખસે પોતે આઈએએસ અધિકારી હોવાનું જણાવી બે યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી રૂ.7.70 લાખ પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

મળતી માહિતી મુજબ, બાકરોલ-સંકેત રોડ પર આવેલી શ્રી વિહાર સોસાયટીમાં રહેતા નિરજકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટેશન રોડ પર શુભલક્ષ્મી શોપિંગ સેન્ટરની સામે ઝેરોક્ષની દુકાન ચલાવે છે. ઓક્ટોબર 2025 દરમિયાન ગામડીના સાલેમનગરમાં રહેતો રોનક સુધીર ક્રિશ્યન નામનો શખસ તેમની દુકાને ઝેરોક્ષ કરાવવા આવ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે પરિચય થયો હતો.

પરિચય બાદ રોનકે પોતાની પાસેનું એક આઈડી કાર્ડ બતાવી પોતે સેવા સદનમાં આઈએએસ અધિકારી હોવાનું જણાવ્યું હતું. તેમજ સહી-સિક્કાવાળું આઈએએસ ડેપ્યુટી કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટનું ઓળખકાર્ડ બતાવી ગાંધીનગરમાં પોતાની સારી ઓળખાણ હોવાનું કહી રૌફ જમાવ્યો હતો.

ત્યારબાદ થોડા સમય પછી રોનકે પોતાની ગાંધીનગર બદલી થઈ હોવાનું જણાવી મામલતદારની સીધી ભરતી થવાની વાત કરી હતી. કોઈને સરકારી નોકરીની જરૂરિયાત હોય તો કામ કરાવી આપવાની ખાતરી પણ આપી હતી. આ વાતોમાં વિશ્વાસ આવી જતાં નિરજકુમારે પોતે તથા પોતાના એક સંબંધી માટે નોકરી મેળવવાની આશાએ અલગ-અલગ સમયે કુલ રૂ.7.70 લાખ રોકડા આપ્યા હતા.

જોકે, પૈસા લીધા બાદ આરોપી દ્વારા થોડા સમયમાં નોકરીની જાહેરાત બહાર પડશે અને જાણ કરીશ તેમ કહી સતત વાયદાઓ કરવામાં આવતા હતા. લાંબો સમય વીતી જવા છતાં નોકરી ન મળતાં નિરજકુમારે પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. આ સમયે આરોપીએ તેનો ફોન બ્લોક કરી દેતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ફરિયાદના આધારે આણંદ શહેર પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી રોનક સુધીર ક્રિશ્યનની ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,650SubscribersSubscribe

TRENDING NOW