વાંકાનેરના રાતીદેવડી ગામમાં દુકાન પાસે બેઠેલા 63 વર્ષીય પ્રૌઢને બે શખ્સોએ ગાળો આપી પથ્થરમારો કરતા ઈજા પહોંચી હોવાની ફરિયાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, રાતીદેવડી ગામના અમૃતભાઈ મેઘજીભાઈ વોરા (ઉ.વ.63) પોતાના પિતાની દુકાનના પગથિયાં પર બેઠા હતા. તે દરમિયાન ગામના પ્રકાશ ઉર્ફે પિંટુભાઈ લાલજીભાઈ વોરા અને ભરત ઉર્ફે ગોપી લાલજીભાઈ વોરા હાથમાં લાકડાના ધોકા લઈને ત્યાં આવ્યા હતા. બંને શખ્સોએ બજારમાં હાજર બાવજીભાઈ નામના વ્યક્તિને ગાળો આપી તેની સાથે બોલાચાલી કરી હતી.
આ દરમિયાન આરોપીઓએ બજારમાં પડેલા છૂટા પથ્થરો ઉઠાવી બાવજીભાઈને મારવા જતા પથ્થરનો ઘા અમૃતભાઈને વાગ્યો હતો. પથ્થર વાગતા તેમની ડાબી આંખ નીચેના ભાગે સામાન્ય ઈજા તેમજ નાકના ભાગે ફ્રેક્ચરની ઈજા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે અમૃતભાઈ વોરાએ બંને શખ્સો વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

