મોરબી મહાનગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપનને લઈને જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. શહેરના તમામ કોમર્શિયલ વિસ્તારો, દુકાનો, વેપારી એકમો, હોટલ-રેસ્ટોરન્ટ, સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળોના સંચાલકોએ સ્થળ પર ભીનો અને સૂકો કચરો અલગ રાખવા માટે અલગ-અલગ ડસ્ટબિન રાખવી ફરજિયાત રહેશે.
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્થળ પર ઉત્પન્ન થતા કચરાનું સ્ત્રોતે જ યોગ્ય રીતે વર્ગીકરણ કરી કચરો મહાનગરપાલિકાની કચરો એકત્ર કરવાની વ્યવસ્થા મુજબ સોંપવાનો રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે. ડસ્ટબિન ન રાખવી, જાહેર સ્થળે કચરો ફેંકવો, કચરાનું યોગ્ય વિભાજન ન કરવું અથવા ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું પાલન ન કરવા બદલ નોટિસ, દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
મહાનગરપાલિકાએ તમામ વેપારીઓ, સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોના સંચાલકોને જરૂરી ડસ્ટબિનની વ્યવસ્થા કરી ભીનો અને સૂકો કચરો અલગ રાખવા તથા ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોનું કડક પાલન કરવા અપીલ કરી છે.

