હળવદની રઘુનંદન સોસાયટીમાં સ્પાના વ્યવસાયના હિસાબને લઈને ચાલતા મનદુઃખનો મામલો મારામારી સુધી પહોંચ્યો હોવાની ઘટના સામે આવી છે. ધ્રાંગધ્રામાં સ્પા ચલાવતા યુવકના ભૂતપૂર્વ ધંધાકીય ભાગીદારે ઘરે આવી ગાળો ભાંડી ઝપાઝપી કરી તથા લોખંડના ઝારા વડે યુવક અને તેની માતા પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
મળતી માહિતી મુજબ, હળવદના રઘુનંદન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મેરૂભાઈ ડાભી (ઉ.વ. 30)એ કરણસિંહ દિલુભાઈ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, આશરે ત્રણ વર્ષ પહેલા પ્રકાશભાઈ અને આરોપીએ ધ્રાંગધ્રાના ગોકુલધામ કોમ્પ્લેક્સમાં ભાગીદારીમાં ‘એપલ સ્પા’ શરૂ કર્યું હતું. છેલ્લા ત્રણેક મહિનાથી સ્પાના હિસાબને લઈને બંને વચ્ચે મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખી આરોપી પ્રકાશભાઈના ઘરે આવ્યો હતો અને ગાળો આપી ઝપાઝપી કરી હતી.
આ દરમિયાન આરોપીએ પુરી તળવા માટે ઉપયોગમાં લેવાતા લોખંડના ઝારા વડે પ્રકાશભાઈની પીઠના ભાગે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. વચ્ચે પડેલા કંચનબેનને પણ એ જ હથિયારથી પીઠ પાછળ માર મારવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ બંનેને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

