મોરબીમાં શેરબજારમાં રોકાણ કરાવી વધુ નફો અપાવવાની લાલચ આપીને એક વેપારીના પુત્ર સાથે રૂ.86,25,950ની સાયબર છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી ₹9,400નો નફો પરત આપીને ઠગોએ યુવકનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવવાના બહાને અલગ-અલગ રીતે લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ છે.
ફરિયાદ મુજબ, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા ટાઉનશિપમાં રહેતા અને વેપાર કરતા ભરતભાઈ ખિમજીભાઈ વરમોરાએ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે રોહનકુમાર, લલિતભાઈ બ્રોકર, સાગર પટેલ અને નચીકેભાઈ બળદેવભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આરોપીઓએ માધવભાઈ શેઠના એજન્ટ તરીકે ઓળખ આપી ભરતભાઈના પુત્ર પલ્લવનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં શેરબજારમાં ઓછી રકમનું રોકાણ કરાવ્યા બાદ રૂ.9,400નો નફો પરત આપ્યો હતો. નફો મળતાં યુવકને વધુ રોકાણ કરવા માટે વિશ્વાસ થયો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ત્યારબાદ અલગ-અલગ UPI અને બેન્ક ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 4,87,350 પડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, હિંમતનગરની પી.એમ. આંગડિયા પેઢી મારફતે નચીકેભાઈના નામે રૂ. 81,48,000 પણ પડાવી લેવાયા હતા. આમ, કુલ રૂ. 86,25,950ની છેતરપિંડી થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શેરબજારમાં ઝડપી અને મોટો નફો અપાવવાની લાલચ આપતી અજાણી વ્યક્તિઓ અને રોકાણ યોજનાઓથી સાવચેત રહેવા માટે આ ઘટના ચેતવણીરૂપ બની છે.

