સુરત શહેર પોલીસે ઓપરેશન મુસકાન અંતર્ગત ઓગસ્ટ-2026 દરમિયાન ગુમ થયેલા અથવા અપહરણ થયેલા 210 બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. જેમાં 76 બાળકો તથા 134 સ્ત્રી-પુરુષનો સમાવેશ થાય છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિક તથા સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીરની સૂચના અન્વયે અધિક પોલીસ કમિશ્નર ડો. કરનરાજ વાઘેલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહિલા સેલ અને મિસિંગ સેલ દ્વારા સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા 18 વર્ષ દરમિયાન નોંધાયેલા ગુમ અને અપહરણના કેસોની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ફરિયાદીઓ અને સાક્ષીઓનો સંપર્ક કરી, તેમના નિવેદનો તથા જણાવેલા સરનામાંના આધારે શોધખોળ કરવામાં આવી હતી. અનેક કિસ્સાઓમાં ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓ રાજ્ય અથવા જિલ્લા બહાર રહેતા હોવાનું સામે આવતાં સ્થાનિક પોલીસ, સરપંચો અને ગામના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસના આંકડા મુજબ, ઓગસ્ટમાં શોધી કાઢવામાં આવેલા 76 બાળકોમાં 33 છોકરા અને 43 છોકરીઓનો સમાવેશ થાય છે. જ્યારે 134 પુખ્ત વ્યક્તિઓમાં 76 સ્ત્રીઓ અને 58 પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જાન્યુઆરીથી ઓગસ્ટ-2026 સુધીના આઠ મહિનામાં સુરત શહેર પોલીસે કુલ 1,652 ગુમ અથવા અપહરણ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢ્યા છે. જેમાં 531 બાળકો તથા 1,121 પુખ્ત વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

