મોરબી તાલુકાના રંગપર-જીવાપર રોડ પર આવેલા લુપ્ટેન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં મોડી રાત્રે અજાણ્યો ચોર ઘૂસી આવ્યો હતો. ચોરે કોલોનીના અલગ-અલગ રૂમમાં સૂતેલા શ્રમિકોના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જેતપુર ગામે રહેતા અને મજૂર કોન્ટ્રાક્ટર તરીકે વ્યવસાય કરતા વિપુલભાઈ પ્રાગજીભાઈ અમૃતિયા (ઉંમર 43)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મોડી રાત્રે અજાણ્યો ઇસમ ચોરી કરવાના ઇરાદે લુપ્ટેન સિરામિકના અલગ-અલગ લેબર ક્વાર્ટરમાં ચોરીછૂપીથી પ્રવેશ્યો હતો. શ્રમિકોના રૂમમાંથી અલગ-અલગ કંપનીના કુલ 7 મોબાઈલ ફોન, જેની કુલ કિંમત આશરે રૂ. 29,000 છે, ચોરી કરી આરોપી ફરાર થઈ ગયો હતો.
આ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ચોરને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

