મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ નજીક આવેલી પાવડીયારી માર્કેટમાં જૂની અદાવતને લઈને ચાર શખ્સોએ વેપારી અને તેના સાથીદાર સાથે મારામારી કરી છરી બતાવી રૂ.24 હજારની રોકડ લૂંટી લીધાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, પાવડીયારી માર્કેટના શોપિંગમાં રહેતા અને મજૂરી કામ કરતા ફરીદ યાસીનભાઈ મેરે ઇકો, શીકલો, મુખી અને કારો નામના ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, થોડા દિવસ અગાઉ ફરીદના શેઠ ઇકબાલભાઈના ભાઈ તૈયબભાઈએ આરોપી ઇકો વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં મારામારી અંગે ફરિયાદ કરી હતી.
આ ફરિયાદનો ખાર રાખી ચારેય આરોપીઓ એકસંપ થઈ નંબર વગરની કાળા રંગની સ્કોર્પિયો કારમાં પાવડીયારી માર્કેટ ખાતે આવ્યા હતા. અહીં તેમણે ફરીદ તથા ઇકબાલભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીદના ખિસ્સામાં રહેલા મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ.24 હજાર બળજબરીથી કાઢી લીધા હતા.
આ બનાવ અંગે ફરીદ યાસીનભાઈ મેરની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

