HomeGujaratજામનગરના હરીપરમાં દૂધમાં ભેળસેળ સામે નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી: 7,150 લીટર શંકાસ્પદ...

જામનગરના હરીપરમાં દૂધમાં ભેળસેળ સામે નિર્લિપ્ત રાયની કડક કાર્યવાહી: 7,150 લીટર શંકાસ્પદ દૂધ અને ઘીનો જથ્થો નાશ કરાયો

જામનગર જિલ્લાના કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હરીપર ગામમાં રાજકોટ રેન્જ પોલીસે શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધના ગેરકાયદે ધંધા સામે મોટી કાર્યવાહી કરી છે. છ દૂધ વેપારીઓના રહેણાંક મકાનો અને ડેરીઓમાં દરોડા પાડી પોલીસે આશરે 7,150 લીટર શંકાસ્પદ દૂધ, 120 કિલો વનસ્પતિ ઘી અને 15 કિલો દૂધ બનાવવાનો પાવડર ઝડપી પાડ્યો હતો.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) દ્વારા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવી ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરી વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચોક્કસ માહિતી મળતા પોલીસ ટીમે હરીપર ગામમાં શંકાસ્પદ દૂધના વેપાર સાથે સંકળાયેલા (1) મેરૂભાઇ વીરાભાઇ  ભારાઇ (2) અરજણભાઇ હમીરભાઇ હુણ (3) બધાભાઇ બાવનભાઇ ચાવડા (4) મેરૂભાઇ બધાભાઇ વંશ (5) રાણાભાઇ બટુકભાઇ ભારાઇ (6) બોધાભાઇ નાથાભાઇ વંશ સહીતનાઓના મકાનો અને તેમની નજીક આવેલી અલગ-અલગ ડેરીઓમાં તપાસ કરી હતી. દરોડા દરમિયાન કેટલાક સ્થળોએ શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

જે બાદ પોલીસે સ્થળ પર રેડ કરી આશરે 7,150 લીટર દૂધ, 120 કિલો વેજીટેબલ ઘી તથા 15 કિલો દૂધ બનાવવાનો પાવડર કબજે કર્યો હતો. ત્યારબાદ ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ સેફ્ટી ઓફિસર સ્થળ પર પહોંચ્યા હતા અને શંકાસ્પદ દૂધના જરૂરી નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી બાદ કબજે કરાયેલ શંકાસ્પદ દૂધ, વેજીટેબલ ઘી અને દૂધનો પાવડર માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે સંબંધિત દૂધ વેપારીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW