ટંકારાના ઘુનડા (સજનપર) ગામની સીમ વિસ્તારમાં તસ્કરોએ રાત્રિના સમયે તરખાટ મચાવી પાંચ ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી પાણીની મોટરના પટ્ટી કેબલમાંથી કોપર વાયર ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે. ચોરીના બનાવને પગલે ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઘુનડા (સજનપર) ગામે રહેતા રમેશભાઈ ચતુરભાઈ ફુલતરીયાએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ગામની સીમમાં અદેપર તરફ જતા માર્ગ પાસે ફરિયાદી સહિત અન્ય ખેડૂતોની વાડીઓ આવેલી છે.
રાત્રિના સમયે તસ્કરોએ આ વાડીઓમાં આવેલી તળાવ તથા કૂવાની પાણીની મોટરના પટ્ટી કેબલમાંથી કોપર વાયર કાપી ચોરી કરી લીધો હતો. અલગ-અલગ વાડીઓમાંથી કુલ આશરે 340 ફૂટ કેબલમાંથી અંદાજે 40 કિલો કોપર વાયર ચોરી થયો હોવાનું સામે આવ્યું છે, જેની કિંમત આશરે રૂ. 12 હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે ટંકારા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

