મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા પોક્સો ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતો ફરતો આરોપી હાર્દિક ઉર્ફે ગુરૂ સોલંકીને પોલીસે રાજપર રોડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો ગુનામાં હાર્દિકભાઈ ઉર્ફે ગુરૂ પ્રદીપભાઈ સોલંકી (ઉ.વ.30), રહે. નાની વાવડી, સિદ્ધિવિનાયક સોસાયટી-1, શેરી નં.2, મોરબી, મૂળ રહે. નવા પ્લોટ, કુંભાર મંદિર પાસે, શકત શનાળા, મોરબી, છેલ્લા ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર હતો.
ફરાર આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, પોક્સો ગુનામાં પકડવાનો બાકી આરોપી રાજપર રોડ પર રામદેવપીરના મંદિર નજીક હાજર છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાજપર રોડ પર રામદેવપીરના મંદિર પાસેથી હાર્દિક ઉર્ફે ગુરૂ સોલંકીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને પોક્સો ગુનામાં કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

