મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB મોરબીની ટીમે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર પ્રકારના શરીર-મિલકત સંબંધી ગુનાઓ, હથિયારધારા તથા અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી LCB ટીમને બાતમીના આધારે એક શખ્સને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
પોલીસ તપાસ દરમિયાન પકડાયેલા શખ્સની ઓળખ અસાર રમજાનભાઈ મેવર, ઉંમર 27 વર્ષ, રહે. કાજરડા, તા. માળિયા (મી.), જી. મોરબી તરીકે થઈ હતી. તેની પાસેથી આશરે રૂ.40,000ની કિંમતની હીરો સાઇન મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી વિરુદ્ધ મોરબી, માળિયા તથા હળવદ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અગાઉથી ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં મારામારી, હથિયારધારા તેમજ અન્ય મિલકત સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે. આ પકડાયેલા આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) મુજબ ચોરીનો ગુનો નોંધાયો છે. LCBની ટીમે આરોપીને ઝડપી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો છે.

