વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉની નાની-મોટી તકરારને લઈને પોલીસમાં અરજી કરવાની અદાવત રાખી બે મહિલાઓ પર પ્લાસ્ટિકના પાઇપ અને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ, જોધપર ગામે રહેતા નાગલબેન વાલજીભાઈ રાઠોડે આરોપી ભાવુબેન સોલંકી અને કિશનભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ નાની-નાની બાબતોમાં આરોપી મહિલા સાથે ઝઘડા થતા હોવાથી ફરિયાદી આ અંગે પોલીસમાં અરજી કરવા ગયા હતા. આ બાબત આરોપીઓને ન ગમતા ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો.
દરમિયાન આરોપીઓએ નાગલબેનને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો. તેમજ નાગલબેનના ભત્રીજાની પત્ની પર લાકડી વડે હુમલો કરી ગાળો આપી હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

