મોરબી સિટી એ ડિવિઝન અને ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસથી બચીને ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, ટંકારા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે અગાઉ ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડીની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોવાના ગુનામાં તેમજ મોરબી શહેરના તુલસીપાર્ક નજીક અલગ-અલગ ત્રણ વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાના ગુનામાં સંડોવાયેલા અને ફરાર આરોપી અંગે બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી મેઘજીભાઈ ઉર્ફે મેઘરાજ વિરમભાઈ સાટકા, જાતે ભરવાડ, ઉંમર 27 વર્ષ, રહે. ગઢડા (નાગબાઈ), તા. પડધરી, જી. રાજકોટવાળાને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેની અટક કરી રિમાન્ડ મેળવવા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી ટંકારા પોલીસે હાથ ધરી છે.

