મોરબી જિલ્લાના 108 ઇમરજન્સી સેવા સ્ટાફે ફરી એકવાર સમયસૂચકતા અને કુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખાનપર ગામની વાડી વિસ્તારમાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.
કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સના ઈએમટી દિલીપ સોલંકી અને પાઇલટ જયદીપસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ મહિલાને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે રસ્તામાં જ મહિલાની પ્રસૂતિની પીડા અત્યંત વધી જતાં હોસ્પિટલ પહોંચવું શક્ય ન બન્યું.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઈએમટી દિલીપ સોલંકીએ ફરજ પરના તબીબના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ સફળતાપૂર્વક જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
પ્રસૂતિ બાદ માતા અને બંને નવજાત બાળકોની તબિયત સ્થિર હોવાનું જણાતા 108 ટીમે તેમને વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. 108 ટીમની ઝડપી કામગીરી, કુશળતા અને માનવતાભર્યા અભિગમની સ્થાનિક લોકો તેમજ હોસ્પિટલ સ્ટાફ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

