સૌરાષ્ટ્રમાં એક તરફ શીયાળાની જમાવટ શરૂ થઈ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી માવઠાની આગાહી કરતા માર્કેટીંગ યાર્ડમાં રહેલી જણસો પલળી જાય નહીં તે માટે તંત્ર દ્વારા સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડોમાં સુચના આપી દેવામાં આવી છે. તો કેટલાક યાર્ડો દ્વારા ખેડૂતોને તા. 4 ડિસેમ્બર સુધી યાર્ડમાં ખેતપેદાશોને લાવવાની મનાઈ કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્ર-કચ્છમાં શીયળાની ધીમે ધીમે જમાવટ થઈ છે. ત્યારે હવામાન વિભાગની માવઠાંની આગાહીએ ખેડૂતોને ચિંતામાં ધકેલી દીધા છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે તા. 2 ડિસેમ્બર સુધી રાજકોટ, વેરાવળ, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેમ જણાવાયું છે. માવઠાંની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર પણ સાબદુ બની ગયું છે.

જામનગર, રાજકોટ, ગોંડલ, મોરબી સહિતના યાર્ડોમાં છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો મગફળીનું ખુલ્લા બજારમાં વેચાણ કરી રહ્યાં છે. ત્યારે મોટાભાગના યાર્ડોમાં મગફળીની મબલખ આવકના કારણે મગફળીના ઢગલાઓ હજુ યાર્ડના પટ્ટમાં પડ્યાં છે. ત્યારે જો કમોસમી વરસાદ પડે તો આ ખેતપેદાશો પલળી જાય તેમ છે. ત્યારે માવઠાંની આગાહીના પગલે તમામ માર્કેટ યાર્ડોના ચેરમેનો તેમજ સેક્રેટરી તથા ત્યાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને માવઠાંના કારણે ખેતપેદાશોને કોઈ નુકશાન પહોંચે નહીં તે માટે જણાવી દેવામાં આવ્યું છે. તેમજ વરસાદની ભીતિના પગલે મોટાભાગના યાર્ડોમાં ખેતપેદાશો લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ખુલ્લામાં પડેલી મગફળી સહિતની જણસીઓ પલળે નહીં તેવી રીતે ઢાંકવા માટે સુચના આપી દેવાઈ છે.

