મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આજે, રવિવાર (૨૬ જુલાઈ) ના રોજ રાંદલ વિદ્યાલય મોરબી ખાતે ‘જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ૭૯ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ હુંબલ, પેન્શનર મંડળના પ્રમુખ જીવણભાઈ ડાંગર તેમજ પૂર્વ પ્રમુખ ડૉ. રામભાઈ વારોતરીયા સાહેબે ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કસોટી દરમિયાન સુપરવાઇઝર તરીકે ખીમાણીયા કરસનભાઈ, બોરીચા અજીતભાઈ તેમજ રાઠોડ વસંતભાઈએ પોતાની નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી હતી.
કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ વિજેતા થયેલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરના વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સ્પર્ધાના દાતા તરીકે સ્વ. મીતાંશ ડાંગરના સ્મરણાર્થે શ્રી ડાંગર રાણાભાઈ જેસંગભાઈ દ્વારા સંપૂર્ણ આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ જિલ્લા કક્ષાની કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને આગામી સમયમાં આહિર કર્મચારી મંડળ દ્વારા આયોજિત થનારા ‘વિદ્યાર્થી સન્માન સમારોહ’માં શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સ્ટેજ સંચાલન મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં મંત્રી મહેશભાઈ ડાંગરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મંત્રી મહેશભાઈ ડાંગર સહિત અજયભાઈ ડાંગર, વિક્રમભાઈ ડાંગર, વિજયભાઈ ડાંગર, સાગરભાઈ ચાવડા, યશપાલભાઈ લોખિલ, ગૌરાંગ ગોહિલ, વિજય કાનગડ, રમેશભાઈ છૈયા તથા કારોબારીના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી

