HomeGujaratCentral Gujaratદક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં પૂરની સ્થિતિ, હજારો લોકો પ્રભાવિત

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: વલસાડ-નવસારીમાં પૂરની સ્થિતિ, હજારો લોકો પ્રભાવિત

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. સુરત બાદ હવે વલસાડ, નવસારી, વાપી અને ઉમરગામ સહિતના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારો જળબંબાકાર બનતા માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે, વાહનવ્યવહાર ઠપ્પ થયો છે અને તંત્ર દ્વારા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં માત્ર 28 કલાકમાં અંદાજે 43 ઇંચ વરસાદ નોંધાતા છેલ્લા 24 વર્ષનો વરસાદનો રેકોર્ડ તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે વાપીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પટેલ સમાજની વાડી સહિત અનેક સ્થળોએ પાર્ક કરેલી 200થી વધુ કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.

વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર ઇતિહાસમાં પ્રથમ વખત 9 મીટર સુધી પહોંચતાં તંત્રએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે. કાશ્મીરનગરમાંથી 60થી 70 લોકોને અને બરુડિયાવાડ વિસ્તારમાંથી 100થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારો માટે રાહત કેન્દ્રોમાં રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં પણ પૂર્ણા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ગઈ છે, જ્યારે કાવેરી નદીમાં પણ ભારે પૂર આવ્યું છે. પૂરના પાણી શહેરના અંદાજે 30 ટકા વિસ્તારમાં ફરી વળતાં ગધેવાન, હિદાયતનગર, શાંતાદેવી, ભેસ્તખડા, રંગૂનનગર, રુસ્તમવાડી, મિથિલા નગરી, રિંગ રોડ અને ગાંધીનગર સોસાયટી સહિત 15થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

સ્થાનિક વહીવટી તંત્ર, એનડીઆરએફ અને અન્ય બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે. નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી સાથે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW