મુંબઈ, મંગળવાર
ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને કોટક મહિન્દ્રા બેંકમાં હિસ્સો વધારીને 9.9 ટકા કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી મંજૂરી મળી છે. આના પરથી લાગે છે કે IPO પહેલા LIC બેંકિંગ સેક્ટરમાં મોટા રોકાણની તૈયારી કરી રહી છે. હાલમાં કોટક મહિન્દ્રા બેંકમાં LICનો હિસ્સો 5 ટકાથી ઓછો છે. નોંધનીય છે કે વર્તમાન નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા કોઈપણ બેંકમાં 5 ટકાથી વધુ હિસ્સો લેવા માંગે છે, તો તેણે આ માટે રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી લેવી પડશે.
કોટક મહિન્દ્રા બેંકે સોમવારે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે એલઆઈસીને બેંકમાં તેનો હિસ્સો વધારીને 9.99% કરવાની રિઝર્વ બેંક પાસેથી પરવાનગી મળી છે. 30 સપ્ટેમ્બર, 2021 સુધીમાં, LIC કોટક મહિન્દ્રા બેંકમાં 4.96% હિસ્સો ધરાવે છે.
આગામી IPO
ભારતના નાણા સચિવ ટીવી સોમનાથનના જણાવ્યા અનુસાર, એલઆઈસીમાં સરકારના હિસ્સાનું વેચાણ માર્ચ-જૂન 2022 વચ્ચે કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે LICનું લિસ્ટિંગ જૂન 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે.
LIC શેરબજારમાં વધુ મૂડી રોકાણ
નોંધપાત્ર રીતે, જાહેર વીમા કંપની LIC ભારતીય શેરબજારમાં સૌથી મોટી સ્થાનિક રોકાણકાર છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન, LICએ કુલ 94,000 કરોડના શેર ખરીદ્યા છે. આ રીતે ભારતીય શેરબજારમાં LICનું કુલ રોકાણ 31 માર્ચ, 2021 સુધી 8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. બિઝનેસ અખબાર મિન્ટના અહેવાલ મુજબ, LICએ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે 2021-22માં આશરે રૂ. 20,000 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. LICને શેરના આ બાય-ટ્રેડિંગથી લગભગ 10 હજાર કરોડનો નફો થયો છે.

