મોરબીની 35 થી વધું ઉંમર ની દરેક મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે નિર્શિવ ફાઉન્ડેશન’ દ્વારા આગામી 11 જુલાઈ 2026, શનિવારના રોજ એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘સ્વસ્થ મેનોપોઝ, સુખી સ્ત્રી: ડૉ. હેમાબેન પટેલ સાથે વિશેષ ચર્ચા હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોરબીના જાણીતા અને અનુભવી સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. હેમાબેન પટેલ (MBBS, DGO) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી મહિલાઓને મૂંઝવતા પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપશે.
નિર્શિવ ફાઉન્ડેશનના સ્થાપક આરતી રોહન એ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહિલાઓના જીવનમાં મેનોપોઝ (ઋતુનિવૃત્તિ) એ એક કુદરતી અને અત્યંત મહત્વપૂર્ણ તબક્કો છે. આ સમયગાળા દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ બદલાવોને કારણે હોટ ફ્લેશ (અચાનક ગરમી લાગવી), ઊંઘની સમસ્યાઓ જેવા શારીરિક ફેરફારો થાય છે. આ ઉપરાંત તણાવ, ચીડિયાપણું અને ચિંતા જેવા માનસિક પડકારોનો પણ મહિલાઓએ સામનો કરવો પડે છે. મોટેભાગે જાગૃતિના અભાવે અથવા સંકોચના કારણે સ્ત્રીઓ આ વિષય પર ખુલીને વાત કરી શકતી નથી.
આ સેમિનારમાં ડૉ. હેમાબેન પટેલ મહિલાઓને મેનોપોઝના ફેરફારોને સરળતાથી સમજવા, માનસિક શાંતિ જાળવી રાખવા તેમજ આ તબક્કામાં પણ ચપળ અને ઊર્જાવાન રહેવા માટે કેવો આહાર અને કસરત અપનાવવી તે અંગે વિગતવાર માહિતી આપશે. આ ઉપરાંત, સેમિનારના અંતે એક ખાસ પ્રશ્નોત્તરી સેશન (Q&A) રાખવામાં આવ્યું છે, જેમાં ઉપસ્થિત મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો ડૉક્ટર સમક્ષ સીધા જ પૂછીને તેનું નિવારણ મેળવી શકશે.
આ કાર્યક્રમ તા. 11 જુલાઈ 2026 (શનિવાર)ના રોજ સંસ્કારધામ હોલ, GIDC, શનાળા રોડ, મોરબી ખાતે બપોરે 4 થી 6 વાગ્યા સુધી યોજાશે. આ સેમિનારમાં મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારની તમામ મહિલાઓ માટે એન્ટ્રી તદ્દન મફત રાખવામાં આવી છે. જો કે, હોલની બેઠક ક્ષમતા મર્યાદિત હોવાના કારણે અગાઉથી સીટ બુક કરાવવી ફરજિયાત છે.
સેમિનારમાં ભાગ લેવા અને નામ નોંધાવવા માટે આયોજક અદિતિ વિરમગામાના મોબાઈલ નંબર 95866 13202 પર વહેલી તકે સંપર્ક કરવા નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

