કોઈપણ કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ત્વરિત કમાન્ડ અને પ્રતિક્રિયા આપવાના ઉમદા આશયથી મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત સાત દિવસીય વિશેષ “યુવા આપદામિત્ર સ્કીમ” (YAMS) તાલીમ શિબિરનું સફળ સમાપન થયું છે.
જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી-મોરબી અને ‘સ્પીપા’ (SPIPA)ના સંયુક્ત સંકલનથી ગત તા. 01 જુલાઈથી મકનસર પોલીસ હેડક્વાર્ટર ખાતે આ સુચારૂ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ કેમ્પમાં એન.એસ.એસ. (NSS)ના 18 અને ‘મેરા યુવા ભારત’ (MY Bharat)ના 37 મળી કુલ 55 ઉત્સાહી તાલીમાર્થીઓને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF જુથ-3, મંડાણા)ના અનુભવી પોલીસ જવાનો દ્વારા બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધીની બચાવ અને રાહત કામગીરીનું સઘન પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ તાલીમ દરમિયાન યુવાનો આપત્તિના સમયે વહીવટી તંત્રની વાસ્તવિક ફિલ્ડ કામગીરીથી પરિચિત થાય તે માટે બે વિશેષ પ્રેક્ટિકલ સેશન યોજાયા હતા. જેમાં તા. 04 જુલાઈના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ‘EMBITO Granito LLP’ કંપની ખાતે પ્રોપેન ગેસ લીકેજના સિનેરિયો પર સઘન મોક ડ્રીલ યોજી ફાયર, પોલીસ, જીપીસીબી અને 108 જેવી આપત્તિ વ્યવસ્થાપનની લાઇન ડિપાર્ટમેન્ટ્સની ટીમો સાથે ત્વરિત લાઈવ રેસ્ક્યૂ ઓપરેશનની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ, તા. 06 જુલાઈના રોજ એસ.ડી.આર.એફ. (SDRF) ટીમ દ્વારા મચ્છુ-1 ડેમ ખાતે કોઈ વ્યક્તિ ડેમ, નદી કે તળાવમાં ડૂબે ત્યારે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓથી બચાવી શકાય તેની જીવંત ફિલ્ડ ટ્રેનિંગ આપવામાં આવી હતી.
તાલીમના આખરી દિવસે એટલે કે તા. 07 જુલાઈના રોજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નિયામક, મોરબી પ્રાંત અધિકારી, ડિઝાસ્ટર મામલતદાર અને રિઝર્વ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા તમામ સફળ તાલીમાર્થીઓને ‘યુવા આપદામિત્ર’ તરીકેના સત્તાવાર પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રેરક પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ તેમજ એન.એસ.એસ.ના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુર જાની અને એમ.વાય.બી.ના કો-ઓર્ડિનેટર સ્વરૂપ દેસાઈ સહિતની ટીમે તમામ નવયુવાનોને ભવિષ્યમાં કોઈપણ આપદાના સમયે વહીવટી તંત્ર સાથે ખડેપગે ઊભા રહીને માનવતાવાદી કાર્ય કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

