મોરબી: તા. 28/06/2026ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) લાલપર ખાતે પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી અભિયાનને પ્રારંભ અપાયો.
આ પ્રસંગે ઇન્ચાર્જ CDHO સંજય શાહના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, ઉપસરપંચ રાજુભાઈ જેતપરિયા, કમલેશભાઈ વિલપરા તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજસેવા અને લોકકલ્યાણના ભાવથી વિરલભાઈ આદ્રોજા દ્વારા પ્રા.આ.કે. લાલપરને વોટર કૂલરની ભેટ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે કેતનભાઈ વિલપરાએ આંગણવાડી માટે વોટર ડિસ્પેન્સર ભેટરૂપે આપ્યું હતું.
પી.એચ.સી. લાલપરના સમગ્ર સ્ટાફ દ્વારા ગામના આગેવાન દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે દીપકભાઈ વ્યાસ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અભિયાન અંતર્ગત પી.એચ.સી. લાલપર વિસ્તારના તમામ રસીકરણ બૂથો પર બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. ઉપરાંત આગામી દિવસોમાં આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી કાર્યકરો દ્વારા ઘર-ઘર મુલાકાત લઈ રસીકરણથી વંચિત રહેલા બાળકોને પોલિયોની બે ટીપાં પીવડાવી અભિયાનને સફળ બનાવવામાં આવશે.

