મોરબીના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા માટેલ રોડ પર આવેલી એક ફેક્ટરીમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. માટેલ નજીક આવેલી ‘એડીકોન પેપર પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ’ નામની ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલા પેપર વેસ્ટના કાચા માલમાં આ આગ લાગી હતી, જેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
મળતી માહિતી મુજબ, ફેક્ટરીના ખુલ્લા કમ્પાઉન્ડમાં મોટા પ્રમાણમાં પેપર વેસ્ટ (કાચો માલ) રાખવામાં આવ્યો હતો. એક તરફ અત્યંત જ્વલનશીલ ગણાતો કાગળનો જથ્થો અને બીજી તરફ ફૂંકાયેલા તેજ પવનને કારણે આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ધુમાડાના કાળાડિબાંગ ગોટેગોટા ઉડતા જોઈને આસપાસના કારખાનાના શ્રમિકો અને સ્ટાફમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ૬ ગાડીઓ દ્વારા સતત વોટર કેનનનો મારો
ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. આગની ગંભીરતાને જોતાં ફાયર ફાઇટરના ૬ જેટલા મોટા બ્રાઉઝર (પાણીના ટેન્કરો) ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દીધી છે.
આગનું કારણ અકબંધ, મોટી દુર્ઘટના ટળી
ફેક્ટરીના કમ્પાઉન્ડમાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટના કારણે કે અન્ય કોઈ કારણસર આગ લાગી તે અંગે તપાસ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. જો કે, સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના સમાચાર નથી, જેને પગલે ફેક્ટરી તંત્ર અને આસપાસના લોકોએ મોટી રાહત અનુભવી છે. ફાયર વિભાગ દ્વારા આગને સંપૂર્ણપણે શાંત કરવા (કૂલિંગ પ્રક્રિયા) માટેના પ્રયાસો હજુ પણ ચાલુ છે.

