મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં પ્રેમલગ્નના મુદ્દે બે પક્ષો વચ્ચે મારામારી થતાં બંને તરફથી સામસામે ફરિયાદો નોંધાઈ છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રથમ ફરિયાદ મુજબ, રોહીદાસપરા ચોકમાં રહેતા ભાવેશભાઈ મહેશભાઈ સારેસાએ ગૌતમભાઈ ત્રિભુવનભાઈ કાટીયા, મહેન્દ્રભાઈ વિરજીભાઈ કાટીયા, દેવાભાઈ લાલાભાઈ કાટીયા અને કેતનભાઈ નારણભાઈ કાટીયા વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભાવેશભાઈની માનીતી ફઈએ પ્રેમલગ્ન કરેલ હોય અને તેઓ વારંવાર તેમના ઘરે આવતા-જતા હતા, જે આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓ ભાવેશભાઈના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. ગૌતમભાઈએ લોખંડની પાઈપ વડે ભાવેશભાઈના માથામાં ઇજા પહોંચાડી હતી, જ્યારે મહેન્દ્રભાઈએ મારપીટ કરી હતી. દેવાભાઈએ લાકડાના ધોકાથી તથા કેતનભાઈએ બેટ વડે હુમલો કરી શરીરે ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત આરોપીઓએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બીજી તરફ, વીસીપરા રોહીદાસપરા ચોકમાં રહેતા ત્રિભુવનભાઈ લાલજીભાઈ કાટીયાએ રમેશભાઈ અંબાલાલ સારેસા અને ભાવેશભાઈ મહેશભાઈ સારેસા સામે ફરિયાદ નોંધાવી છે.
તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના મોટા ભાઈની પુત્રીએ પ્રેમલગ્ન કર્યા હતા અને તે પોતાના પતિ સાથે રમેશભાઈના ઘરે આવતી-જતી હતી. આ મુદ્દે સમજાવવા માટે તેઓ પોતાના સાથીદારો સાથે રમેશભાઈના ઘરે ગયા હતા. તે દરમિયાન આરોપીઓએ અપશબ્દો બોલી તેમની સાથે મારામારી કરી હતી અને ઢીકાપાટુનો મુઠ્ઠી માર મારી ઇજાઓ પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.

