મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ‘પ્રોજેક્ટ લાઈફ’ દ્વારા વાંકાનેર તાલુકાની સમથેરવા પ્રાથમિક શાળાના વિકાસ માટે રૂ. 1 કરોડના ખર્ચે 12 નવા વર્ગખંડો, કોમ્પ્યુટર લેબ તેમજ સેનિટેશન સુવિધાઓનું નિર્માણ કરવા 100 ટકા અનુદાન આપવાની સહમતિ વ્યક્ત કરવામાં આવી છે.
આ અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મોરબી અને સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તા. 15 જૂન 2026ના રોજ એમઓયુ (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ યોજના દ્વારા શાળાના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર શૈક્ષણિક માહોલ ઉપલબ્ધ થશે.
બીજી તરફ, માળિયા (મીયાણા) તાલુકાના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના વિસ્તરણ માટે સ્થાનિક દાતા સુભાનભાઈ બાવાભાઈ સંઘવાણીએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. શાળાને બે નવા વર્ગખંડોની મંજૂરી મળ્યા બાદ સરકારી જમીનની અછતને કારણે મકાન નિર્માણમાં મુશ્કેલી ઊભી થઈ હતી. ત્યારે દાતાએ પોતાની માલિકીની જમીનમાંથી 1300 ચોરસ મીટર જમીન સ્વૈચ્છિક રીતે શાળાને દાનમાં આપી હતી. તેમની આ લોકહિતની કામગીરીને રાજ્ય સ્તરે પણ પ્રશંસા મળી છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેમની સેવાભાવનાની નોંધ લેવામાં આવી હતી. ઉપરાંત, તા. 15 જૂન 2026ના રોજ મોરબીના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દાતા સુભાનભાઈ સંઘવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

