મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર આવેલ ઠાકર ધણી ટી સ્ટોલ નજીક પહોંચી હતી. આ દરમિયાન પોલીસની નજર ત્રણ શખ્સો પર પડી હતી, જે ગોળાકારમાં બેસીને શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયું હતું. પોલીસ દ્વારા તપાસ હાથ ધરતાં તેઓ લુડો ગેમ પર હાર-જીતની શરતો લગાવી જુગાર રમતા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી નંદલાલ લખમણભાઈ રૈયાણી (ઉ.વ. 41), રહે. શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ કેન્ટીન રૂમ, મૂળ વતન સજનપર ધુનડા ગામ; બીલાલ આદમભાઈ લંધા (ઉ.વ. 35), રહે. રણછોડનગર, નિધી પાર્ક સોસાયટી, મોરબી; તેમજ નઈમ નુરમામદભાઈ ચાનીયા (ઉ.વ. 24), રહે. વીસીપરા, મોરબીની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રૂ. 1,500ની રોકડ રકમ તથા રૂ. 5,000 કિંમતનો એક એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ રૂ. 6,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

