મોરબીના વહીવટી તંત્રના વડા અને કલેક્ટર સ્વપ્નિલ ખરે આજે વહેલી સવારે એક્શન મોડમાં જોવા મળ્યા હતા. કલેક્ટરે મોરબીની સરકારી (સિવિલ) હોસ્પિટલ ખાતે કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર આકસ્મિક ચેકિંગ હાથ ધરતાં સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને તબીબોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
ફાયર સેફ્ટીથી લઈને ટોયલેટ સુધી ઝીણવટભર્યું નિરીક્ષણ
વહેલી સવારે હોસ્પિટલ પહોંચેલા કલેક્ટરે વ્યવસ્થાઓનું ગ્રાઉન્ડ ઝીરો પર નિરીક્ષણ કર્યું હતું. તેમણે હોસ્પિટલમાં કાર્યરત ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત, હોસ્પિટલના દરેક વોર્ડ, રૂમ અને રૂમના ટોયલેટ (શૌચાલય) સુધી રૂબરૂ જઈને સફાઈ તેમજ અન્ય સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
દર્દીઓ અને સગાં-સંબંધીઓ સાથે સીધો સંવાદ
તંત્રની કામગીરી અને હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમની સાથે હાજર સગાં-સંબંધીઓ સાથે સીધી વાતચીત કરી હતી. હોસ્પિટલમાંથી મળતી સુવિધાઓ, દવાઓ અને સારવાર અંગેનો પ્રતિભાવ મેળવી, દર્દીઓ પાસેથી જરૂરી સૂચનો પણ સ્વીકાર્યા હતા.
સ્ટાફ સાથે બેઠક કરી ફરિયાદો જાણી
ચેકિંગ દરમિયાન કલેક્ટરે ફરજ પર હાજર તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ ક્લેરિકલ (વહીવટી) સ્ટાફ સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે હોસ્પિટલના કર્મચારીઓ સાથે વાતચીત કરી તેમની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્ટાફને નડતી મુશ્કેલીઓ કે ફરિયાદો અંગે વિગતો મેળવી યોગ્ય નિકાલની ખાતરી આપી હતી.
કલેક્ટરના આ આકસ્મિક સરપ્રાઈઝ વિઝિટને પગલે સરકારી હોસ્પિટલના તંત્રમાં ભારે ફફડાટ સાથે દોડધામ જોવા મળી હતી.

