HomeGujaratમોરબીની રવિરાજ ચોકડી નજીક કારખાનામાં ક્રેનનો પટ્ટો તૂટતાં ગંભીર અકસ્માત: એક શ્રમિકનું...

મોરબીની રવિરાજ ચોકડી નજીક કારખાનામાં ક્રેનનો પટ્ટો તૂટતાં ગંભીર અકસ્માત: એક શ્રમિકનું મોત, 3 ઈજાગ્રસ્ત, બે ઓપરેટરો સામે ગુનો

મોરબીના રવિરાજ ચોકડી નજીક આવેલા એક ઔદ્યોગિક એકમમાં કામ દરમિયાન સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજતાં ભારે ચકચાર મચી છે. ક્રેન દ્વારા લોખંડનું ભારે પ્લેટફોર્મ ઊંચકતી વખતે પટ્ટો તૂટી જતાં પ્લેટફોર્મ નીચે પટકાયું હતું, જેમાં એક કામદારે જીવ ગુમાવ્યો હતો જ્યારે અન્ય ત્રણ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે બે ક્રેન ઓપરેટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના ત્રાજપર ચોકડી વિસ્તાર સ્થિત લેબર ક્વાર્ટરમાં રહેતા વિવેકભાઈ વિજયભાઈ રાજભરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેમના ભાઈ સંતોષભાઈ વિજયભાઈ રાજભર (ઉ.વ. 40) રાજકોટ-કંડલા બાયપાસ પર રવિરાજ ચોકડી નજીક આવેલા એ એન્ડ જે માઈક્રોન્સ કારખાનામાં સાયલો પર લોખંડનું ભારે પ્લેટફોર્મ ચઢાવવાના કામમાં અન્ય મજૂરો સાથે જોડાયેલા હતા.

તે દરમિયાન સાઈ ક્રેન સર્વિસની બે હાઇડ્રો ક્રેન દ્વારા પ્લેટફોર્મને પટ્ટાની મદદથી ઊંચકવામાં આવી રહ્યું હતું. આરોપ છે કે ક્રેન ઓપરેટરોએ બેદરકારી દાખવી હતી અને નબળા અથવા ક્ષતિગ્રસ્ત પટ્ટાનો ઉપયોગ કર્યો હતો. પરિણામે એક પટ્ટો અચાનક તૂટી જતાં ભારે પ્લેટફોર્મ નીચે ધડાકાભેર પડ્યું હતું. આ અકસ્માતમાં સંતોષભાઈ રાજભરને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઉપરાંત ભીમ મહંતો, ઉપેન્દ્ર મહંતો અને અસલમ હનીફભાઈ નામના અન્ય ત્રણ શ્રમિકોને પણ માથા અને શરીરના ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.

ઘટના અંગે નોંધાયેલી ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે સાઈ ક્રેન સર્વિસના બે ક્રેન ઓપરેટરો તથા તપાસ દરમિયાન જવાબદાર ઠરે તેવા અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW