મોરબી મહાનગરપાલિકા (મનપા)માં હોદ્દાઓની વહેંચણી થતાંની સાથે જ શાસક પક્ષ ભાજપમાં ભારે ભડકો થયો છે. મેયર, ડેપ્યુટી મેયર કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર સતવારા સમાજને કોઈ સ્થાન કે પ્રતિનિધિત્વ ન મળતા સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિવાદ હવે ઉગ્ર બન્યો છે અને મનપામાં ચૂંટાયેલા સતવારા સમાજના તમામ 8 કોર્પોરેટરોએ એક થઈને જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયાને એક ધખધખતો પત્ર લખી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
કોર્પોરેટરો દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં ભાજપ સંગઠન સામે સીધો પ્રહાર કરવામાં આવ્યો છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે ભાજપ દ્વારા મહાનગરપાલિકાની મુખ્ય સત્તાની વહેંચણીમાં ઓબીસી (OBC) સમાજની ધરાર ઉપેક્ષા કરીને મોટો અન્યાય કરવામાં આવ્યો છે. મોરબીમાં સતવારા સમાજનું મોટું પ્રભુત્વ હોવા છતાં એક પણ મહત્વના હોદ્દા પર સમાજના પ્રતિનિધિની પસંદગી ન કરાતા સ્થાનિક સ્તરે કાર્યકરો અને સમાજના અગ્રણીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ આક્રોશ વચ્ચે આઠેય સતવારા કોર્પોરેટરોએ પત્રમાં આકરો નિર્ણય જાહેર કરતા જણાવ્યું છે કે, “અમારા 8 માંથી એક પણ કોર્પોરેટરને મનપાની કોઈ પણ સમિતિ (કમિટી)માં સ્થાન આપવું નહીં.” તમામ કોર્પોરેટરોએ એકસૂરે સમિતિઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેને પગલે મોરબી જિલ્લા ભાજપ રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
મોરબી મનપાની રચના બાદ જ આ પ્રકારનો આંતરિક અસંતોષ સપાટી પર આવતા હવે જિલ્લા ભાજપ સંગઠન બેકફૂટ પર આવી ગયું છે. આગામી સમયમાં આ નારાજગીને શાંત કરવા માટે ભાજપ મોવડીમંડળ ડેમેજ કંટ્રોલ માટે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

