મોરબી તાલુકાના મહેન્દ્રગઢ ગામે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હેઠળ શરૂ કરાયેલ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા અધવચ્ચે જ પડતું મૂકી દેવાતા ગામ આખું મુશ્કેલીમાં મુકાયું છે. રોડનું ખોદકામ કરીને કામ બંધ કરી દેવાતાં છેલ્લા ૧૫ દિવસથી ગામમાં એસ.ટી. બસની સુવિધા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ બાબતે મહેન્દ્રગઢ ગામના પૂર્વ સરપંચ એમ. એમ. ભોરિયા દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી કામ સત્વરે પુનઃ શરૂ કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
પૂર્વ સરપંચે રજૂઆતમાં જણાવ્યું છે કે, મહેન્દ્રગઢ ગામના પાદરમાં સિમેન્ટ રોડ બનાવવા માટે સમગ્ર પાદરના ઓરિયામાં રોડનું ખોદકામ કરી મૈટલકામ (મેટલ પાથરવાનું કામ) કર્યા બાદ સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સી અચાનક કામ અધૂરું મૂકીને જતી રહી છે. જેના કારણે રસ્તો બિસ્માર બન્યો છે અને ગામમાં એસ.ટી. બસ આવી શકતી નથી.
રસ્તો બંધ હોવાના કારણે ગામના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ગ્રામજનો અને ખાસ કરીને મોરબી ખાતે સારવાર માટે જતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. લોકોને ફરજિયાતપણે ૫ કિલોમીટર દૂર આવેલા પીપળીયા સ્ટેશન સુધી પગપાળા કે અન્ય સાધનો દ્વારા ધક્કા ખાવા પડી રહ્યા છે.
“આ ગંભીર સમસ્યા અંગે તંત્રને અગાઉ લેખિત તેમજ રૂબરૂ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો દાવો ગામના પૂર્વ સરપંચ એમ. એમ. ભોરિયાએ કર્યો છે
ગ્રામજનોની માંગ છે કે સંબંધિત સાઇટ પર બંને સ્થળે યોગ્ય અને ગુણવત્તાયુક્ત કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરાવવામાં આવે. રસ્તાને એવો યોગ્ય બનાવવામાં આવે જેથી એસ.ટી. બસ અને અન્ય નાના-મોટા વાહનો સરળતાથી આવી શકે. જો આગામી દિવસોમાં આ બંધ પડેલી બસ વ્યવસ્થા ચાલુ નહીં કરાય અને રોડનું કામ શરૂ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચ કક્ષાએ આપવામાં આવી છે.

