મોરબી જિલ્લામાં વીજ પુરવઠાને વધુ મજબૂત બનાવવા માટે જેટકો દ્વારા મોરબી તાલુકાના વાંકડા ખાતે નવું 220 કેવી સબ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની ગ્રીન એનર્જી કોરિડોર-1 યોજના હેઠળ આશરે રૂ. 250 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ સબ સ્ટેશન હવે મોરબી સિરામિક ઉદ્યોગ અને આસપાસના વિસ્તારો માટે આશીર્વાદરૂપ બનશે.
જેટકો મોરબીની ટીમે 11 મે થી 13 મે 2026 દરમિયાન સતત 72 કલાક સુધી જહેમત ઉઠાવી તા. 10 મેના રોજ સર્જાયેલી પાવર સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવી નવું સબ સ્ટેશન કાર્યરત કર્યું હતું. આ સમગ્ર કામગીરી જેટકો ગોંડલના અધિક્ષક ઇજનેર વરસડાના માર્ગદર્શન હેઠળ અને બાંધકામ વિભાગ રાજકોટના કાર્યપાલક ઇજનેર ચિખલિયાની દેખરેખમાં પૂર્ણ કરવામાં આવી હતી.
પ્રોજેક્ટને સફળ બનાવવા માટે મોરબી ટીમના કાર્યપાલક ઇજનેર જીતેન્દ્ર એમ. વિરમગામા, નાયબ ઇજનેર પંકજ કુંડારિયા, લાઇન વિભાગના નાયબ ઇજનેર અશ્વિન સરડવા તેમજ અન્ય કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ઉપરાંત જુનિયર ઇજનેર ચેતન ધરોડિયા સહિતની પ્રોજેક્ટ ટીમે નવી 220 કેવી અને 66 કેવી લાઇન નેટવર્ક ઊભું કરવામાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી.
નવા સબ સ્ટેશનમાં 220/66 કેવીના બે 160 એમવીએ ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યા છે, જેના કારણે કુલ 320 એમવીએ ક્ષમતા ઉપલબ્ધ બની છે. હાલ આ સબ સ્ટેશન મારફતે 66 કેવી બેલા, નિચી માંડલ, ઉંચી માંડલ, ઘુંટુ, ખરેડા અને ડુંગરપુર સહિત કુલ છ સબ સ્ટેશનોને આશરે 130 મેગાવોટ વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. આ સબ સ્ટેશન કાર્યરત થતા 220 કેવી પીપળી અને ચરાડવા સબ સ્ટેશનો પરનો લોડ પણ નોંધપાત્ર રીતે ઘટશે. પરિણામે મોરબી સિરામિક ઉદ્યોગ તેમજ આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી રહેલી વીજ પુરવઠાની સમસ્યાઓમાં મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જેટકોના અધિકારીઓ અને કર્મચારીઓએ જણાવ્યું હતું કે સમયની અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ટીમવર્ક અને સકારાત્મક અભિગમથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને સફળતા મળી છે, જે મોરબી જિલ્લાના વીજ વિકાસના ઇતિહાસમાં યાદગાર સાબિત થશે.

