વાંકાનેરના દિઘલિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા અબ્દુલભાઈ સાવદીભાઈ ખોરજીયાએ આરોપી સામતભાઈ ખેંગારભાઈ, પ્રવીણભાઈ સામતભાઈ, મહેશભાઈ સામતભાઈ, લાખાભાઈ ખેંગારભાઈ, જયપાલભાઈ લાખાભાઈ અને મહિપાલભાઈ લાખાભાઈ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ફરિયાદીના ઘર પાસે ગ્રામ પંચાયતનો અવાડો આવેલો છે, જ્યાં આરોપી સામતભાઈ પોતાના ઢોરને પાણી પાવા માટે આવતા હતા. તે સમયે અવાડામાં પાણી ઓછું હોવાના મુદ્દે આરોપી ફરિયાદીના ભાઈ રસુલની માતાને અપશબ્દો બોલી રહ્યા હતા. હાજર રહેલી ફરિયાદીની પત્નીએ આરોપીને ગાળો ન બોલવા સમજાવ્યું અને કોઈ રજૂઆત હોય તો સરપંચને કરવાની સલાહ આપી હતી.
આ બાબતનો ખાર રાખી આરોપીઓએ બાદમાં લાકડીઓ સાથે આવી ફરિયાદીના માતાને ગાળો આપી હતી તેમજ ફરિયાદીના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

