ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ પર આવેલી એક ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ સાઈટ પર રાત્રિના સમયે લૂંટની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સે છરીના ધાક પર સિક્યોરિટી ગાર્ડ તથા તેના મિત્રને ધમકાવી હુમલો કરી રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મૂળ રાજકોટના રહેવાસી અને હાલ ટંકારા કલ્યાણપર રોડ પર મોમીનનગર નજીક રહેતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ મોમીનનગરની બાજુમા નવા બની રહેલ બાંધકામ સાઈટના રૂમમાં ફરીયાદી અને તેનો સાથી હાજર હતા ત્યારે આરોપી હાજીયા ઉર્ફે મુન્નો આતંક ફકીર (રહે. ખારા વિસ્તાર, ટંકારા કલ્યાણપર રોડ) ત્યાં ઘૂસી આવ્યો હતો.
આરોપીએ ગાળો બોલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બંનેને માર માર્યો હતો. ત્યારબાદ ફરીયાદીના ખિસ્સામાં રહેલા રૂપિયા 7,000 લૂંટી સ્થળ પરથી ભાગી ગયો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

