મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કોપર વાયર ચોરીના બે અલગ-અલગ કેસ નોંધાયા હતા, જે હજુ સુધી ઉકેલાયા નહોતા. આ ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ અને ચોરી થયેલા મુદ્દામાલને શોધવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
તપાસ દરમિયાન સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમી મુજબ, મોરબી-જેતપર રોડ પર સનટોન સિરામિક ફેક્ટરી સામે આવેલ શ્રી કેરમાતા સ્ક્રેપના ડેલામાં આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે હાજર હોવાનું જાણવા મળ્યું. પોલીસે ત્યાં દરોડો પાડી એઝાજ ઉર્ફે માથારો અબ્દુલભાઈ આરબ (રહે. પાડા પુલ નીચે ઝૂંપડપટ્ટી, મોરબી), દીપકભાઈ ઉર્ફે આયુષ મંગીલાલ દેવડા (રહે. પાડા પુલ નીચે, મૂળ ઈન્દ્રા ગાર્ડન કોલોની, બદનાવલ, મધ્યપ્રદેશ), કિશનગીરી કૈલાશગીરી ગોસ્વામી (રહે. રામઘાટ, સબજેલ પાછળ, મોરબી) અને ધરમચંદ લાદુલાલ ગુર્જર (રહે. રંગપર બેલા ગામની સીમમાં, જેતપર રોડ, મૂળ નરીનપુરા, રાજસ્થાન) ને પકડી પાડ્યા.
સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ વધુ એક સાગરીત બીકરામ ઉર્ફે વિક્રમ ઉર્ફે કાળી કૈલાસભાઈ આંબલિયાનો પણ ઉલ્લેખ કર્યો, જે મોરબીના પાડા પુલ નીચે રહે છે. આ તમામ આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

