મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં ખેતમજૂરી કરતા પરિવારની 13 વર્ષીય દીકરીએ માતાના ઠપકાથી લાગી આવતા પાણી ભરેલા કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
બનાવની મળતી માહિતી મુજબ, મૂળ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વ્યાસડા ગામના વતની અર્જુનભાઈ મનસુખભાઈ નાયક હાલ જબલપુર ગામની સીમમાં ખેતમજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન, અર્જુનભાઈનાં પત્ની મીનાબેન રસોઈ બનાવતાં હતાં ત્યારે તેમની 13 વર્ષીય પુત્રી પાર્વતીએ નહાવા માટે પાણી ભરી આપવા કહ્યું હતું. જોકે, માતા રસોઈ બનાવવામાં વ્યસ્ત હોવાથી તેમણે દીકરીને જાતે કામ કરી લેવા જણાવ્યું હતું.
માતાની આ વાતનું દીકરી પાર્વતીને લાગી આવતાં તેણે વાડીમાં આવેલા પાણીથી ભરેલા કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પિતા અર્જુનભાઈએ ટંકારા પોલીસને જાણ કરી હતી. જે અંગે પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

