મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે યોજાયેલા મતદાન બાદ હવે સૌની નજર આવતીકાલના પરિણામો પર છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર, આવતીકાલે એટલે કે ૨૮ એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મોરબીના જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા સુરક્ષાના ભાગરૂપે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ લાગુ કરવામાં આવી છે. જે મુજબ, મતગણતરી કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર તેમજ કોઈપણ પ્રકારની સભા કે સરઘસ કાઢવા પર સખ્ત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા મતગણતરીના નિયમો પણ કડક બનાવવામાં આવ્યા છે. કોઈ પણ ઉમેદવાર કે એજન્ટ પાસ વગર પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત, મતગણતરી હોલમાં મોબાઈલ ફોન, વાયરલેસ સેટ કે અન્ય કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જવા પર પ્રતિબંધ છે. માત્ર ફરજ પરના અધિકારીઓ અને સુરક્ષા જવાનોને જ આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે મોરબીની જનતાએ કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે.

