મોરબી જિલ્લાના મતદારો આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ચૂંટાઇ આવવા જંગમાં ઉભેલા દાવેદારોને મત આપીને ચૂંટવા મતદાન કરશે, જો કે આ વખતે આકરી ગરમીએ ઉમેદવારો અને વહીવટી તંત્ર બન્નેની ચિંતા વધારી દીધી છે. એક તરફ બન્ને તરફથી વધુને વધુ મતદાન કરવામાં આવે તેવી રણનીતિ અખત્યાર કરાઇ છે તો બીજી તરફ હવામાન ખાતાએ પણ આકરી ગરમીની આગાહી કરી છે અને ગરમીની અસર ક્યાંકને ક્યાંક મતદાન પર પડે તેવી આશંકા સેવાઇ રહી છે.
મોરબી જિલ્લામાં આગામી 25 થી 29 એપ્રિલ દરમિયાન લઘુતમ તાપમાન 23-24 ડિગ્રી વચ્ચે જયારે મહત્તમ તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે. અને તેના કારણે લોકોને સૂરજ માથા પર આવતાંની સાથે આકરા તાપ સાથે ગરમીનો અનુભવ કરાવશે આ ગરમી વચ્ચે પવનની ગતિ પણ 15 થી 16 કિમી પ્રતિ કલાક વચ્ચે રહેતા ઉકળાટનો પણ લોકોને અનુભવ થશે. તા. 26ના રોજ મોરબીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી ઉંચકાશે ત્યારે બપોરના સમયે ઘરની બહાર નીકળવું કે મતદારોને પરાણે બહાર મત આપવા માટે કાઢવા એ પણ પડકાર જનક બની શકે છે.બપોરે 12 કલાકથી ચાર કલાક સુધી મતદાન પ્રભાવિત થાય કે ધીમું પડે તેવું પણ બની શકે. જો કે અમુક ઉમેદવારોએ તો મતદારોને પોતાના વાહનમાં બુથ સુધી લાવવા લઇ જવાની વ્યવસ્થા કરી હોવાનું પણ સામે આવ્યું છે. તડકામાં લાંબા સમય સુધી બહાર ન રહેવું , તરસ ન લાગતી હોવા છતાં પાણી પીવું , ઓઆરએસ, છાસ, લીંબુ પાણી વગેરે પીણાં લેવા , હળવા, ઢીલાં અને સુતરાઉ કપડાં પહેરવા , બહાર નીકળતા માથું ઢાંકવું (ટોપી/રૂમાલ/છત્રીનો ઉપયોગ) , વૃદ્ધ, બાળકો અને બિમાર વ્યક્તિઓ માટે ખાસ કાળજી રાખવી.

