મોરબી: આગામી તારીખ 19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયા અને ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિત્તે મોરબીના બ્રહ્મસમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા આ પવિત્ર અવસરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની વિગત અનુસાર, બપોરે 3:00 કલાકે વાઘપરા સ્થિત ગાયત્રી મંદિરથી એક વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ભગવાન પરશુરામની આ દિવ્ય સવારી મોરબીના વિવિધ રાજમાર્ગો પર ભ્રમણ કરી ભક્તોને દર્શન આપશે. ત્યારબાદ સાંજે 07:30 કલાકે શોભાયાત્રા ‘શ્રી પરશુરામ ધામ’ ખાતે સંપન્ન થશે, જ્યાં ભગવાનની ભવ્ય મહાઆરતી અને અન્નકૂટના દર્શન યોજાશે. ધાર્મિક વિધિ બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ દિવ્ય મહોત્સવમાં મોરબીના સમસ્ત ભૂદેવોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

