મોરબી એલસીબી અને પેરોલ સ્કોડની સંયુક્ત ટીમે ખાનગી બાતમીના આધારે મહેન્દ્રનગર વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અખાડા પર સફળ દરોડો પાડી પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે.
પોલીસને મળેલી માહિતી મુજબ રાજેશભાઈ જીવરાજભાઈ સરડવા (રહે. સિદ્ધિવિનાયક સોસાયટી, ગજાનન એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર – મૂળ સરવડ, તા. માળિયા મીં.) પોતાના રહેણાંક મકાનમાં બહારથી લોકો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હાર-જીતનો ‘તીન પત્તી’ જુગાર રમાડતા હોવાનું જાણવા મળ્યું હતું.
આ બાતમીના આધારે એલસીબી તથા પેરોલ સ્કોડની ટીમે પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન રાજેશભાઈ સરડવા સહિત કુલ પાંચ વ્યક્તિઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા અન્ય આરોપીઓમાં વિવેકભાઈ વિનોદભાઈ ગોસાઈ (રહે. મોટાદહિંસરા), ભાવેશભાઈ બાલુભાઈ સીતાપરા (રહે. પ્રભુકૃપા રેસીડેન્સી, મહેન્દ્રનગર-મૂળ માનસર), જયેશભાઈ રાઘવજીભાઈ બોપલિયા (રહે. મહેન્દ્રનગર-મૂળ મોટા ભેલા) તથા સાગરભાઈ રમેશભાઈ સરડવા (રહે. પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર-મૂળ સરવડ)નો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી રૂ. 2,62,500 રોકડ રકમ તેમજ ચાર મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 2,87,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તમામ પાંચ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

