વિશ્વ ટીબી દિવસના અવસરે મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. “Yes! We Can End TB – Led by Countries, Powered by Janbhagidari” થીમ અંતર્ગત ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા ખાસ પ્રયાસો કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે ટીબીના દર્દીઓને પોષણ કીટો આપવામાં આવ્યા હતા. સાથે જ દર્દીઓને પોષણયુક્ત આહાર લેવાની, દવાઓ નિયમિત રીતે લેવાની, સમયસર તપાસ કરાવવાની તેમજ વ્યસનોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. નિક્ષય મિત્ર તરીકે દર્દીઓને સહાય પૂરી પાડવા બદલ મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.
વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં ટીબી સ્ક્રિનિંગ કેમ્પ, હેન્ડહેલ્ડ એક્સ-રે તપાસ, આરોગ્ય શિક્ષણ અને પોષણ કીટ વિતરણ જેવા કાર્યક્રમો યોજાઈ લોકોમાં ટીબી અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ કુલ 349 ગ્રામ પંચાયતોમાંથી 135 પંચાયતોને યોગ્ય તપાસ અને ચકાસણી બાદ ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે. આ સફળતા પાછળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગ્રામ્ય સ્તરે કરવામાં આવેલી સક્રિય કેસ શોધ અને સમયસર નિદાનની કામગીરી મહત્વપૂર્ણ રહી છે.

જિલ્લાની કામગીરીના આધારે ટીબી મુક્ત પંચાયતોને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ ત્રણ વર્ગોમાં વહેંચવામાં આવી છે, જેમાં 30 પંચાયતો ગોલ્ડ, 37 સિલ્વર અને 68 પંચાયતો બ્રોન્ઝ કેટેગરીમાં સામેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. શ્રીવાસ્તવ, જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણા, તાલુકા આરોગ્ય અધિકારી તેમજ NTEPના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા ટીબી સંપૂર્ણપણે સારવારથી સાજી થઈ શકે છે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા અને દર્દીઓને નિયમિત સારવાર પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
અંતમાં સૌએ મળીને “ટીબી મુક્ત મોરબી અને ટીબી મુક્ત ભારત” બનાવવા સંકલ્પ કર્યો અને સમાજના તમામ વર્ગોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી.

