HomeGujaratમોરબી: આમરણ કાશીબેન દામજીભાઈ ગૌશાળામાં ₹1.35 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ; આગામી રવિવારે ‘ગૌદર્શન’...

મોરબી: આમરણ કાશીબેન દામજીભાઈ ગૌશાળામાં ₹1.35 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ; આગામી રવિવારે ‘ગૌદર્શન’ કાર્યક્રમ

મોરબીના આમરણ (ડાયમંડનગર) ખાતે આવેલી કાશીબેન દામજીભાઈ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી રવિવારે વિશેષ ‘ગૌદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગૌશાળામાં દાતાઓના સહકારથી થયેલા અંદાજે રૂ. 1.35 કરોડના વિકાસ કાર્યો અંગે ગ્રામજનો અને ગૌપ્રેમીઓને માહિતગાર કરવાનો છે.

છેલ્લા લગભગ દોઢ વર્ષ દરમિયાન ગૌશાળામાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં આશરે રૂ. 75 લાખના ખર્ચે ત્રણ વિઘા જમીન ખરીદી તેના ચારે બાજુ વંડો બનાવવામાં આવ્યો છે. ઉપરાંત ગૌમાતાઓ માટે આરસીસી રોડ સાથે બે આધુનિક શેડ, પાંચ ખુલ્લા વંડા, ગમાણ અને પાણીના અવાળા તૈયાર કરવામાં આવ્યા છે.

તે સિવાય ગૌશાળામાં પીવાના તથા ઉપયોગ માટે 55,000 લિટરની ક્ષમતાવાળો પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે તેમજ ગૌસેવકોના નિવાસ માટે ત્રણ પાકા મકાનોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌશાળા સંચાલકોના જણાવ્યા મુજબ આ તમામ વિકાસ કાર્યો કોઈ ઉઘરાણા કે ફાળાની જાહેરાત વગર માત્ર સ્વૈચ્છિક દાનથી પૂર્ણ કરવામાં આવ્યા છે.

આ કાર્યક્રમ તા. 15/03/2026, રવિવારે યોજાશે, જેમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3:00 વાગ્યે માતાઓ, બહેનો અને ગોપી મંડળ દ્વારા ‘કાનુડો’ કાર્યક્રમ યોજાશે અને બપોરે 4:00 વાગ્યે ગૌદર્શન સાથે પરેશ દલસાણીયાનું ઉદબોધન રહેશે. સાંજે 5:00 વાગ્યે નવા શેડનું દાતાઓના હસ્તે ઉદ્ઘાટન થશે. સાંજે 5:30 વાગ્યે લમ્પી વાયરસથી ગૌલોક પામેલા નંદી જસમત મહારાજ અને ગૌમાતાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારબાદ સાંજે 6:00 વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૌશાળા પરિવાર દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે આ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ દાતા પાસેથી દાન કે ફાળો લેવામાં આવશે નહીં. હાલમાં ગૌશાળામાં અંદાજે 250 જેટલી ગૌમાતાઓનું સંવર્ધન કરવામાં આવે છે અને તેમના દૈનિક ઘાસચારા તથા સંભાળ પાછળ લગભગ રૂ. 50,000નો ખર્ચ થાય છે. ગૌશાળા પરિવાર દ્વારા ગામના લોકો, ગૌપ્રેમીઓ તેમજ સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલા દાતાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,540SubscribersSubscribe

TRENDING NOW