દરેક માણસને જીવનમાં આગળ વધવાની ઈચ્છા હોય છે, પરંતુ એ માટે સૌથી મહત્વની વસ્તુ છે પોતાની લાયકાત અને ક્ષમતાનું સાચું મૂલ્યાંકન. દુર્ભાગ્ય એ છે કે આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની અંદર ઝાંખી કરવાની જગ્યાએ બીજાની લાયકાત પર ટિપ્પણીઓ કરવામાં વધુ રસ લે છે. કોઈ શું કરી રહ્યું છે, કોણ કેટલું લાયક છે, કોણે શું મેળવ્યું આ બધું જોવામાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે પોતાનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત જ ભૂલી જઈએ છીએ.
હકીકતમાં, સ્વમૂલ્યાંકન એ પ્રગતિનું પહેલું પગથિયું છે. માણસ પોતાની તાકાત અને પોતાની ખામીઓ બંનેને ઈમાનદારીથી ઓળખે ત્યારે જ સાચો વિકાસ શક્ય બને છે. જે વ્યક્તિ પોતાની ક્ષમતાને સમજવા માટે સમય કાઢે છે, તે બીજાની ટીકા કરતા પોતાની સુધારણા પર વધુ ધ્યાન આપે છે. પરિણામે, તે ધીમે ધીમે પરંતુ મજબૂત રીતે આગળ વધે છે.
પરંતુ સમાજમાં ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરે છે અથવા બીજાની ભૂલોને લઈને ચર્ચા કરે છે. આ વલણ માણસને અંદરથી નબળો બનાવે છે, કારણ કે તે પોતાની ખામીઓને ઓળખવાની અને સુધારવાની તક ગુમાવી દે છે. બીજાની લાયકાત માપવાથી ક્યારેય પોતાની લાયકાત વધતી નથી.
આથી જરૂરી છે કે દરેક વ્યક્તિ થોડો સમય પોતાના પર ખર્ચે. પોતાના ગુણો, ખામીઓ, ક્ષમતાઓ અને મર્યાદાઓ વિશે સાચી સમજણ વિકસાવે. જ્યારે માણસ પોતાની અંદર જોવાનું શરૂ કરે છે, ત્યારે તેને સમજાય છે કે સાચી સ્પર્ધા બીજાઓ સાથે નહીં, પરંતુ પોતાની જ ગતકાલની સ્થિતિ સાથે છે.
આખરે, જે સમાજમાં લોકો બીજાની નહીં પરંતુ પોતાની લાયકાતને ઓળખવાનો પ્રયત્ન કરે છે, ત્યાં સાચી પ્રગતિ અને સકારાત્મકતા બંને જન્મે છે…નિલેશ પટેલ


