વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ અને યુદ્ધ જેવા માહોલને કારણે ઉદ્યોગ જગતમાં ઉભી થયેલી પડકારજનક પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર તથા Gujarat Mineral Development Corporation (GMDC) દ્વારા ઉદ્યોગો સાથે સક્રિય સંવાદ શરૂ કરવામાં આવ્યો છે. આ જ સંદર્ભમાં મોરબી ખાતે મોરબી પેપર મિલ્સ એસોસિએશન અને GMDC વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં GMDC તરફથી ડેપ્યુટી જનરલ મેનેજર (કોલ) નીરજ પરીક તેમજ GMDC મોરબી તરફથી ડી.કે. જૈન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોરબી પેપર મિલ્સ એસોસિએશન તરફથી પ્રમુખ શૈલેશ દેત્રોજા, ઉપપ્રમુખ દિનેશ હરિપરા સહિત એસોસિએશનના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન હાલની વૈશ્વિક પરિસ્થિતિના કારણે પેપર ઉદ્યોગ સામે ઉભી થયેલી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આયાતી વેસ્ટ પેપરના વધતા ભાવ, સમુદ્રી પરિવહનના ખર્ચમાં થયેલા વધારા તેમજ સપ્લાય ચેઇનમાં આવેલા વિક્ષેપને કારણે પેપર ઉદ્યોગ પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ભારતની મોટાભાગની પેપર મિલો આયાતી વેસ્ટ પેપર પર આધારિત છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી પેપર મિલ્સ એસોસિએશન દ્વારા GMDC સમક્ષ કેટલીક મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મુશ્કેલ સમયગાળામાં લિગ્નાઇટના ભાવમાં સ્થિરતા જાળવવા, નિયમિત ખરીદદારોને પ્રાથમિકતા સાથે એલોકેશન આપવાનું ચાલુ રાખવા તેમજ લિગ્નાઇટની ગુણવત્તામાં સતત સ્થિરતા જાળવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી.
મોરબીનો પેપર ઉદ્યોગ પ્રદેશમાં મોટા પાયે રોજગારી ઊભી કરતો મહત્વપૂર્ણ ઉત્પાદન ક્ષેત્ર છે અને તેની સ્થિરતા માટે ઊર્જા પુરવઠો અત્યંત આવશ્યક માનવામાં આવે છે. GMDC અને પેપર ઉદ્યોગ બંને ઔદ્યોગિક વિકાસના મહત્વપૂર્ણ ભાગીદાર હોવાથી પરસ્પર સહકાર દ્વારા ઉદ્યોગના વિકાસને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.આ અવસરે મોરબી પેપર મિલ્સ એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર, મોરબી વિસ્તારના ધારાસભ્યો દુલર્ભજીભાઈ દેથરિયા અને કાંતિભાઈ અમૃતિયા તેમજ GMDCના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ઉદ્યોગોની સમસ્યાઓને ગંભીરતાથી સાંભળી આ મુશ્કેલ સમયમાં ઉદ્યોગોને સહકાર આપવા માટે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું હતું.

