ટંકારાના વિરપર ગામે રહેતા મુકેશભાઈ જેસીંગભાઈ વડેચાએ (ઉ.વ. 45) પોતાના ગામના સતિષ ચંદુભાઈ મેણીયા, માલો ચંદુભાઈ મેણીયા, ભીમાભાઈ રવજીભાઈ બાવરવા અને ગંગાભાઈ જીવાભાઈ બાવરવા સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ફરિયાદી મુકેશભાઈની શેરીમાં રહેતો સતિષ પોતાની રિક્ષા લઈને શેરીમાંથી પસાર થતો હતો, ત્યારે એક ગલુડિયું રિક્ષા નીચે આવી ગયું હતું. આ અંગે ફરિયાદીના સાથીએ રિક્ષા સાવધાનીથી હંકારવા જણાવ્યું હતું, જેના કારણે બોલાચાલી શરૂ થઈ હતી. ત્યારબાદ આરોપીઓ એકત્ર થઈ ગાળો બોલી ઝઘડો વધાર્યો હતો.
આરોપીઓએ ધમકી આપતાં કહ્યું હતું કે “ગઈકાલે ગલુડિયા બાબતે જે બોલાચાલી કરી હતી, તેવું ફરી કરશો તો ગલુડિયાની જગ્યાએ તમને જ જાનથી મારી નાખીશું.” એમ કહી તેઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આરોપીઓએ હાથમાં રહેલા લાકડાના ધોકાથી માર મારતાં ફરિયાદીને શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. ઝપાઝપી દરમિયાન ફરિયાદીની માતા દેવુબેનને ધક્કો લાગતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમને મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસએ ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

